23/11/2023
આજે દેવઊઠી એકાદશી છે
ખાસ નીચેના મહિમા ના પ્રસંગ વાંચશો
શાસ્ત્રીજી મહારાજ ત્રણ એકાદશીનો મહિમા બહુ કહેતા - દેવઊઠી, દેવપોઢી ને જળઝીલણી. આખા દેશમાં હરિભક્તો નિર્જળા કરે છે. શાસ્ત્રીજી મહારાજે 85 વર્ષ સુધી નિર્જળા કરી. આપણને ઠેલ વાગ્યો છે, તો આપણે તો કરવું જ. આપણી જીભ સો મણ સાટા ખાઈ ગઈ. ટાંકાં ભરાણાં, તળાવ ભરાણાં, પણ પેટ ન ભરાણાં. એકાદશીને દિવસે ઊંઘવું નહિ. વાંચવું. પ્રદક્ષિણા કરવી.
મુંબઈમાં જન્માષ્ટમી આવતી હતી. મહંત સ્વામી અને બીજા સંતો સ્વામીશ્રીને નિર્જળા ઉપવાસ ન કરવા માટે વિનંતી કરવા ગયા. સ્વામીશ્રીએ તો ઘસીને ના જ પાડી દીધી અને કહ્યું : ‘પાંચ ઉપવાસ (આષાઢ સુદ એકાદશી, ભાદરવા સુદ એકાદશી, કાર્તિક સુદ એકાદશી, શ્રીહરિ જયંતી અને જન્માષ્ટમી) તો નિર્જળા જ કરવાના. પાણીનોય સંકલ્પ નહિ.’ બધાએ બહુ દલીલો કરી, પણ માન્યા નહીં. અંતેવાસી સેવકે પણ કહ્યું. ત્યારે બોલ્યા : ‘તમે ભેગા રહીને અભિપ્રાય સમજતા નથી !’ નારિયેળના પાણી માટે પૂછ્યું, તો તેની પણ ના પાડી અને બોલ્યા : ‘શાસ્ત્રીજી મહારાજે એંશી વરસની ઉંમર સુધી ઉપવાસ કર્યા. મને તો તોંતેર વરસ જ થયાં છે. હું તમને અક્ષરધામમાં બેસાડી દઉં, છેલ્લો જન્મ કરાવી દઉં; પણ મને ઉપવાસ કરવા દ્યો !’ છતાંય રામચરણ સ્વામીએ દલીલ કરી કે ‘હર્ષદભાઈ કહે છે કે શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા - ત્રણ એકાદશીઓના જ ઉપવાસ નકોરડા કરવાના, બીજા નહીં.’ સ્વામીશ્રી આ સાંભળી તુરત બોલ્યા : ‘શાસ્ત્રીજી મહારાજ ભેગો હું 40 વર્ષ રહ્યો છું. તેમણે શું કહ્યું તે હું જાણું.’ પછી બોલ્યા : ‘હું માંદો નથી. હજુ સો વરસ કાઢવાનાં છે. આવરદા થઈ નથી.’ એમ કહી જય બોલાવી દીધી અને ઊભા થઈ ગયા. સ્વામીશ્રીની દૃઢતા પાસે કોઈની કારી ફાવી નહીં. અને ધરાર ઉપવાસ કર્યો જ!
પ્રંસગ - યોગીવાણી માંથી